Viewing:

PHP.intro

Select a Verse

ફિલિપ્પીઓને પાઉલ પ્રેરિતનો પત્ર

લેખક

પાઉલ આ પત્ર લખવાનો દાવો કરે છે (1:1) અને ભાષા તથા શૈલીના બધા જ આંતરિક લક્ષણો તથા ઐતિહાસિક તથ્યો તેનું સમર્થન કરે છે. શરૂઆતની મંડળી પણ પાઉલના લેખકત્વ તથા અધિકાર વિષે સુસંગત રીતે જણાવે છે. ફિલિપ્પીઓને પત્ર ખ્રિસ્તનું મન ઘોષિત કરે છે. (2:1-11). જો કે જ્યારે તેણે આ પત્ર ફિલિપ્પીઓને લખ્યો ત્યારે તે બંદીવાન હતો તો પણ તે આનંદથી ભરપૂર છે. આ પત્ર આપણને શીખવે છે કે આપણે મુશ્કેલીઓમાં અને દુઃખોમાં હોઈએ તો પણ ખ્રિસ્તીઓ તરીકે આપણે આનંદિત રહી શકીએ છીએ. ખ્રિસ્તમાં આપણને જે આશા છે તેને કારણે આપણે આનંદિત છીએ.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 61 ની આસપાસનો છે.

પાઉલે આ પત્ર તે રોમની જેલમાં હતો ત્યારે લખ્યો હતો (પ્રેરિતોનાં કૃત્યો 28:30). આ પત્ર એપાફ્રદિતસ કે જે પાઉલ પાસે રોમમાં ફિલિપ્પી શહેરની મંડળીની આર્થિક સહાયતા આપવા આવ્યો હતો તેના દ્વારા ફિલિપ્પીઓને પહોંચાડવાનો હતો. (2:25; 4:18). પણ તેના રોમમાંનાં સમય દરમ્યાન એપાફ્રદિતસ બીમાર પડ્યો હતો અને તેથી તેને ઘરે પાછા ફરવામાં વિલંબ થયો હતો અને પરિણામે પત્ર પહોંચવામાં પણ વિલંબ થયો હતો. (2:26-27).

વાંચકવર્ગ

મકદોનિયા જિલ્લાના આગળ પડતાં શહેરોમાંના ફિલિપ્પી શહેરની ખ્રિસ્તી મંડળી.

હેતુ

બંદીવાસમાં તેની હાલત કેવી હતી (1:12-26) અને જો તે મુક્ત થાય તો તેની શી યોજના હતી તે મંડળી જાણે (2:23-24) એવું પાઉલ ઇચ્છતો હતો. એવું લાગે છે કે મંડળીમાં કેટલાક મતભેદો તથા ભાગલા પડ્યા હતા અને તેથી પ્રેરિત એકતાને ધ્યાનમાં રાખતા પાઉલ નમ્રતા માટે ઉત્તેજન આપવા લખે છે (2:1-18; 4:2-3). પાઉલ એક પાળકીય ઈશ્વરવિદ્યાશાસ્ત્રી તરીકે, કેટલાક જૂઠા શિક્ષકોનું નકારાત્મક શિક્ષણ તથા તેના પરિણામોને રોકવા, (3:2-3), મંડળી સમક્ષ તિમોથીની પ્રસંશા કરવા તથા એપાફ્રદિતસની તંદુરસ્તી અને યોજનાનો અહેવાલ આપવા (2:19-30) તથા મંડળીની તેના માટેની કાળજી તથા તેમણે તેને આપેલી ભેટ માટે આભાર માનવા લખ્યું હતું (4:10-20).

મુદ્રાલેખ

આનંદિત જીવન

રૂપરેખા

1. અભિવાદન 1:1, 2

2. પાઉલની પરિસ્થિતી અને મંડળી માટે ઉત્તેજન — 1:3-2:30

3. જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણીઓ — 3:1-4:1

4. અંતિમ બોધ — 4:2-9

5. આભારદર્શન — 4:10-20

6. અંતિમ અભિવાદન — 4:21-23