કરિંથીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
લેખક
પાઉલના પત્ર તરીકે પણ જાણીતા આ પુસ્તકના લેખક તરીકે પાઉલને માન્ય કરાય છે (1:1-2; 16:21). જ્યારે તે એફેસસમાં હતો ત્યારે કે તેની અગાઉ કોઈક સમયે પાઉલે કરિંથીઓને એક પત્ર લખ્યો હતો કે જે આપણાં કરિંથીઓને પહેલા પત્રની અગાઉ લખાયો હતો (5:10-11). કરિંથીઓમાં તે પત્ર સંબંધી ગેરસમજ પેદા થઈ હતી અને દુઃખની વાત છે કે તે પત્ર હવે ઉપલબ્ધ નથી. તે “અગાઉનો પત્ર” (કે જેને આ નામથી સંબોધવામાં આવે છે) તેનું વિષયવસ્તુ સંપૂર્ણપણે જ્ઞાત નથી. પણ તે અગાઉના પત્રના જવાબમાં કરિંથીઓએ પાઉલને વળતો પત્ર લખ્યો હતો અને તેના જવાબમાં પાઉલ આપણો કરિંથીઓને પહેલો પત્ર લખે છે એવું માનવમાં આવે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 55 થી 56 ની વચ્ચેનો છે.
આ પત્ર એફેસસમાંથી લખવામાં આવ્યો હતો (16:8.)
વાંચકવર્ગ
આ પત્રના ઇચ્છિત વાંચકો “કરિંથમાંની ઈશ્વરની મંડળીના” સભાસદો હતા (1:2). જો કે પાઉલ વાંચકવર્ગમાં “જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ” નો પણ સમાવેશ કરે છે (1:2).
હેતુ
પાઉલે ઘણા સ્રોતો દ્વારા કરિંથની મંડળીની પ્રવર્તમાન હાલત વિષે માહિતી મેળવી હતી. તેનો આ પત્ર લખવાનો હેતુ વિભાજન જેવો ખોટો વ્યવહાર (1:10-4:21), જીવનોત્થાન વિષેનું ખોટું શિક્ષણ (15), જાતીય ભ્રષ્ટતા (5, 6:12-20) તથા પ્રભુ ભોજનના દુરુપયોગ (11:17-34) જેવી બાબતોને સુધારવા બોધ આપવાનો અને મંડળીને તેની નબળાઈઓમાં દ્રઢ કરવાનો હતો. કરિંથની મંડળી કૃપાદાનોથી આશીષિત (1:4-7) પણ અપરિપક્વ તથા સાંસારિક (3:1-4) હતી, તેથી પાઉલ મંડળીએ તેની મધ્યેના પાપના પ્રશ્નને કેવી રીતે હલ કરવો જોઈએ તેનો એક અગત્યનો નમૂનો પૂરો પાડે છે. સંબંધોમાં ભાગલા તથા દરેક પ્રકારની ભ્રષ્ટતાને નજર અંદાજ કરવાને બદલે તે પ્રશ્નો પર સીધો વાર કરે છે.
મુદ્રાલેખ
વિશ્વાસીનો વર્તનવ્યવહાર
રૂપરેખા
1. પ્રસ્તાવના — 1:1-9
2. કરિંથની મંડળીમાં ભાગલા — 1:10-4:21
3. નૈતિક અને સદાચાર વિશેની સમસ્યાઓ — 5:1-6:20
4. લગ્નજીવનના સિદ્ધાંતો — 7:1-40
5. પ્રેરિતપદનો મુક્તિ — 8:1-11:1
6. આરાધના વિષયક બોધ — 11:2-34
7. આત્મિક દાનો — 12:1-14:40
8. જીવનોત્થાનનો સિદ્ધાંત — 15:1-16:24